કચ્છની અસ્મિતા : અલભ્ય ખારાઈ ઊંટ – દરિયાની ખાડીમાં તરી શકતા ઊંટ માલધારીઓનું ઘરેણું

કચ્છમાં હાલ ૧૨૦૦૦ ઊંટ પૈકી ૨૫૦૦ ખારાઈ ઊંટ બચ્યા છે

રાજકોટ તા, ૩૦ માર્ચ : ઊંટ એ રણ નું વહાણ ગણાય છે, રણ વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન માટે ઊંટનો ઉપયોગ થાય છે. પરંતુ આપણને કોઈ એમ કહે છે ઊંટ માત્ર રણમાં ચાલી જ નથી શકતું પરંતુ રણ વિસ્તારમાં આવેલી દરિયાઈ ખાડીમાં તરી પણ શકે છે. તો આપણે તે વાતને સાચી માનતા નથી. પરંતુ આ વાત તદ્દન સાચી છે. આજે પણ કચ્છના રણ વિસ્તારમાં આવેલા માલધારીઓ પાસે એવા કેટલાક દુર્લભ જાતિના ઊંટ છે, જે રણની ગરમ ધરા ઉપર ચાલવાની સાથે દરિયાની ખાડીમાં તરીને પોતાનો ખોરાક મેળવી શકે છે. આ ઊંટ ખારાઈ ઊંટ તરિકે ઓળખાય છે. કચ્છની ધરાના માલધારી સમાજના લોકો ઊંટનો ઉપયોગ તેમના માલસામાન સાથે પરિવહન માટે કરે છે. પરિવહનના કાર્ય માટે ઉપયોગમાં આવતા આ ઊંટ દૂધ પણ આપતા હોય તેમજ તેનું દૂધ ખુબ જ પોષક હોવાનું માલધારીઓ માટે કાર્યરત સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટી એ જણાવ્યું છે.

કચ્છના ખારાઈ ઊંટ અલભ્ય જાતિમાં ગણાય છે. આ ઊંટની વિશેષતા એ છે કે તે દરિયાઈ ખાડીમાં તરી પણ શકે છે. ગમે તેવા દલદલમાં તે ચાલીને બહાર પણ નીકળી શકે છે. સવારે તેમજ સાંજે બે ટાઈમ ઊંટ ૩ થી ૪ લીટર દૂધ પણ આપે છે. કચ્છ ઊંટ ઉછેરક, અળધારી સંસ્થાના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ રબારી જણાવે છે કે, અગાઉ ઊંટના દૂધની ખુબ ઓછી કિંમત આવતી હતી, પરંતુ હવે પ્રતિ લીટર રૂપિયા ૫૧ જેટલી દૂધની કિંમત મળે છે, કચ્છમાં રોજનું ૨૫૦૦ લીટર જેટલું ઊંટનું દૂધ અહીંની સરહદ ડેરીમાં એકત્રિત કરવામાં આવે છે. માલધારીઓને ઊંટના દૂધની સારી કિંમત મળતા હવે તેઓને એક આમદાનીનું સાધન મળી રહ્યાનું ભીખાભાઈએ વધુમાં જણાવ્યું હતુ.

ઔલાદ સંરક્ષણ અને માલધારી સમાજના ઉત્કર્ષ માટે તાજેતરમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય સેમિનાર કૃષિ મંત્રી પરસોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં અલભ્ય એવા ખારાઈ ઊંટની વિશેષતા અને સંવર્ધન માટે સહજીવન સંસ્થા દ્વારા વાત રજુ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે સરહદ ડેરીના ચેરમેનશ્રી વાલમભાઇ હુંબલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સહાયથી કચ્છમાં ભારતનું પહેલું કેમલ મિલ્ક પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. અમુલ ડેરી દ્વારા ઊંટના દૂધમાંથી પાઉડર, ચોકલેટ સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. ધીરે ધીરે ઊંટના દૂધની વસ્તુઓ લોકપ્રિય બની રહી છે.

કચ્છમાં હાલમાં ૧૨ હજાર જેટલાં ઊંટ જોવા મળે છે. જે પૈકી ૨૫૦૦ જેટલા જ ખારાઈ ઊંટ રહયાં છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના પ્રયાસોથી ઊંટની અલભ્ય જાત ખારાઈ ઊંટનું સંવર્ધન થાય તે દિશામાં પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, અને માલધારી સમાજના ઉત્કર્ષ માટે સહજીવન જેવી સંસ્થા સરકાર સાથે મળીને કાર્ય કરી રહી છે. આવનારા સમયમાં આ ઊંટ ગુજરાતની અસ્મિતાને ચાર ચાંદ ચોક્કસ લગાવશે તેવું સહજીવન સંસ્થાના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી મનોજ મિશ્રા જણાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button