ડો.આંબેડકર એક સમાજશાસ્ત્રીય અભ્યાસ

એપ્રિલ મહિનો એટલે ભગવાન શ્રીરામ ભગવાન સ્વામિનારાયણ અને ડો.આંબેડકર જન્મોત્સવ. યંગ અને મેક જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવજીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. અહીં સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં ડો. આંબેડકરનું જીવન અને કાર્ય જાણવાનો મુખ્ય હેતુ રહેલો છે. ૧૪ એપ્રિલ ૧૮૯૧માં મધ્યપ્રદેશના મહુ ગામમાં ડો. આંબેડકરનો જન્મ થયો. તેમના માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજી સક્પાલ હતું. ડો. આંબેડકરનું બાળપણનું નામ ભીમરાવ હતું. તેમનું કુટુંબ ધાર્મિક હતું. કબીર સંત તુકારામ અને ગીતાના શ્લોકો તેમની રોજિંદી પ્રાર્થનાઓમાં સામેલ હતા. ૭ નવેમ્બર ૧૯૦૦માં ભીમરાવનો સતારા હાઇસ્કુલમાં પ્રવેશ કરવામાં આવેલ. ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પાસ થતા ગુરુ કેલુંસ્કરે બુદ્ધનું જીવન ચરિત્ર ભેટ સ્વરૂપે આપ્યું. ૧૯૧૩માં અંગ્રેજી ફારસી વિષય સાથે બી.એ પરીક્ષા પાસ કરી અને વડોદરા સરકારમાં નોકરી કરી. ૧૯૧૩માં ન્યુયોર્ક અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૧૫માં પ્રાચીન ભારતનો વ્યાપાર વિષય પર સંશોધન નિબંધ રજૂ કરી કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર સાથે એમ. એ. ની પદવી મેળવી. ૧૯૧૬માં બ્રિટિશ ભારતમાં અર્થવ્યવસ્થા ની ઉત્ક્રાંતિ વિશે સંશોધન મહાન નિબંધ લખ્યો. ૧૯૧૭માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી ની પદવી પ્રાપ્ત કરી. તેમની શિક્ષા દીક્ષા પાશ્ચાત્ય પદ્ધતિથી થઇ હતી. અમેરિકા ઇંગ્લેન્ડમાં અને ત્યારબાદ બંને દેશોની લોકશાહી પરંપરાઓ ગ્રંથાલયો અને બંધારણીય રીતરસમો એ તેમને ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીના તેમના અધ્યાપક જોન ડીવેના વ્યક્તિત્વ અને વિચારોનો તેમના પર ગાઢ અસર હતી. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા નરેશ ગાયકવાડે મદદ કરી હતી. તેમણે વડોદરા રાજ્યના મુખ્ય સૈન્ય સચિવની રૂએ કામગીરી સંભાળી હતી. ડો. આંબેડકરે લંડન યુનિવર્સિટી, ગોલ્ડ સ્મિથ લાઇબ્રેરી, બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરી તથા ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરીની સદસ્યતા પ્રાપ્ત કરી હતી. ડો. આંબેડકરને પુસ્તકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. વિલાયત જઈને અર્થશાસ્ત્રની ડીગ્રી પ્રાપ્ત કરનારા પ્રથમ ભારતીય નું શ્રેય ડો. આંબેડકરને ફાળે જાય છે. માત્ર ૨૬ વર્ષની વયે એમણે અર્થશાસ્ત્રમાં પીએચ.ડી પૂરું કર્યું. ડો. આંબેડકર ના કૃષિ વિષયક વિચારો એમના આર્ટીકલ “Small Holdings in India and their Remedies” (1917) માં જાણવા મળે છે. ડો. આંબેડકરે એમ.એ., એમ.એસ સી., પીએચ.ડી., બાર એટ લો જેવી અનેક ઉચ્ચ ડીગ્રીઓ પ્રાપ્ત કરી હતી. ડો. આંબેડકરે લંડન ન્યૂયોર્ક તથા જર્મનીના પ્રવાસો દરમિયાન લોકતંત્ર, વ્યક્તિની સ્વતંત્રતા તથા સમાનતા જેવા લોકતાંત્રિક મૂલ્યો વિષે ખૂબ જ જાણકારી પ્રાપ્ત કરી હતી. લંડનમાં ભરાયેલ ત્રણ ગોળમેજી પરિષદમાં અસ્પૃશ્યોના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. ડો. આંબેડકરના જીવનમાં ત્રણ આધારભૂત સિધ્ધાંત હતા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો. ડો. આંબેડકર મરાઠી હિન્દી અંગ્રેજી ગુજરાતી પાલી સંસ્કૃત પર્શિયન જર્મન વગેરે ભાષાની જાણકારી ધરાવતા હતા. ૨૯ વર્ષના યુવાન આંબેડકરે મૂકનાયક નામનું પ્રાક્ષિક શરૂ કર્યું હતું. શિક્ષિત લોકોને દલિતોની સમસ્યાઓથી અવગત કરવા માટે તેમજ સામાજિક જાગૃતિ માટે ડો. આંબેડકરે મૂકનાયક ૧૯૨૦, બહિષ્કૃત ભારત ૧૯૨૭ અને જનતા ૧૯૩૦ સામયિકો ચલાવ્યા હતા. ડો. આંબેડકરે કાલ માર્ક્સ દ્વારા પ્રતિપાદિત સર્વહારા વર્ગની ક્રાંતિ અને સર્વહારાઓની તાનાશાહી કે સરમુખત્યારશાહીને પણ પડકારી છે. ડો. આંબેડકર કાલ માર્ક્સ ના આર્થિક નિયતિવાદ ના સિદ્ધાંતને રદિયો આપે છે. તેમણે ૧૯૨૫માં બહિષ્કૃત હિતકારિણી સભા દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપ્યું હતું. અમદાવાદ ખાનપુર ના પ્રથમ દલિત છાત્રાલયનો પ્રારંભ કરવામાં પણ તેમનું અનન્ય યોગદાન રહ્યું. દલિતોના ઉત્થાન માટે ફક્ત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરતું ન હતું અને તેમના માટે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવી અનિવાર્ય હતી એટલે ૨૦ જુલાઈ ૧૯૪૫માં મુંબઈમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. જૂન ૧૯૪૬માં સિદ્ધાર્થ કોલેજનો શુભારંભ કર્યો હતો. ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ના દિવસે નાગપુરમાં બૌદ્ધ ધર્મના પ્રમુખ સાધુ મહાસ્થવીર ચંદ્રમણીજી પાસેથી બુદ્ધ દીક્ષા અંગીકાર કરી. ચોતરફથી હતાશા અને નકારાત્મક વલણોથી ઘેરાઈને ડો. આંબેડકર ધર્માંતરનો નિર્ણય લે છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. ડો. આંબેડકરે અસ્પૃશ્યોના મૂળભૂત અધિકારો માટે આજીવન સંઘર્ષ કર્યો હતો. વીમા અને વાહન વ્યવહાર નું રાષ્ટ્રીયકરણ થવું જોઈએ એવું ડો. આંબેડકરે ૧૯૪૪માં જણાવ્યું હતું. તેમણે કૃષિનું રાષ્ટ્રીયકરણ કરવાનું સૂચવ્યું હતું તેમના વિચારોને અનુસરીને જ પાછળથી ભારત દેશમાં ભૂમિ મર્યાદા કાયદો અમલમાં આવ્યો. ભારતીય રિઝર્વ બેંકની રચનાનો પાયો ડો. આંબેડકરે નાખ્યો હતો. .ડો. આંબેડકરે ભારતના બંધારણની રચના કરી. કાયદાપ્રધાન તરીકે મહત્ત્વના ખરડા પસાર કરી તમામ સમાજ માટે ન્યાય સમાનતા અને શિક્ષણના અધિકારો ઉપલબ્ધ કરાવ્યા હતા. સમાનતા સ્વતંત્રતા બંધુતા સામાજિક ન્યાય જેવા માનવીય મુલ્યો અને મનુષ્ય સમાજના મૂળભૂત અધિકારો માટે આજીવન લડત લડનારા ડો.આંબેડકર મહામાનવ હતા. ડો. આંબેડકર ભારતીય સમાજજીવન અને રાજકારણને અભૂતપૂર્વ વળાંક આપી શક્યા તેની પાછળ તેમની બૌદ્ધિક પ્રતિભા ઉપરાંત તેમનું પ્રચંડ જ્ઞાન પણ એક મહત્વનું પરીબળ હતું. ડો. આંબેડકરના ત્રણ ગુરુ હતા બુદ્ધ, જ્યોતિબા ફુલે અને કબીર. શ્રમજીવીઓના હાથ વગા હથિયાર સમાન હડતાલની કાયદેસરતા ડો.આંબેડકરને આભારી છે. કામદારો અને કર્મચારીઓના નિરંતર પગાર વૃદ્ધિના સ્ત્રોત સમાન વિવિધ એલાઉન્સની સંકલ્પના ડો.આંબેડકરના લેબર મિનિસ્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન સ્વીકૃત થયેલ સંકલ્પના છે. ડો.આંબેડકરે ભારતીય સ્ત્રીઓને હજારો વર્ષોની ગુલામી દાસત્વની જંજીરોમાંથી મુક્ત બનાવી તથા સ્વમાન સ્વાભિમાન અને સ્વતંત્રતાથી જીવવાનો માર્ગ મોકળો બનાવ્યો હતો. ભારતીય સ્ત્રીઓ ને અપમાન જનક સ્થિતિ અને નર્કની ઊંડી ખીણમાંથી બહાર કાઢવાનું શ્રેય બંધારણ શિલ્પી ડો.આંબેડકરને ફાળે જાય છે અને હિન્દુ કોડ બીલની રચના કરી સ્ત્રીઓને સમાનતા બક્ષી. ડો.આંબેડકરના મત મુજબ ધર્મનું કેન્દ્ર મનુષ્ય અને ઇશ્વર વચ્ચેનો સંબંધ ન હોવો જોઈએ. એના બદલે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પારસ્પરિક સંબંધો હોવા જોઈએ. બધા લોકોનું કલ્યાણ થાય એ માટે પરસ્પર સદવર્તન શીખવવું એ ધર્મનું મૂળ તત્વ છે. તેઓ દલિતોના ધર્મ પરિવર્તનના આગ્રહી હતા. ધર્મ પરિવર્તન તેમના માટે આધ્યાત્મિક ઉન્નતિ કરતા વધુ સામાજિક ભેદભાવ દૂર કરવા માટેની ચળવળ હતી. ડો.આંબેડકરે ૧૯૩૫માં ધર્મ પરિવર્તનના નિર્ણય પછી ૧૯૫૬માં એટલે કે ૨૧ વર્ષ બાદ ધર્મપરિવર્તન કર્યું હતું. ડો. આંબેડકર ની વર્ણવ્યવસ્થા સામેની લડાઇ કોઇ રાજકીય કે આર્થિક લડાઇ નહોતી પરંતુ અસ્પૃશ્ય વર્ગને માનવીય અધિકારો પ્રાપ્ત થાય તે માટેનો સંઘર્ષ હતો. ડો. આંબેડકરની સમાજ સુધારણાની ચળવળ પાછળ અનુભવજન્ય પીડા અને પ્રખર બુદ્ધિ પ્રતિભાનો અદ્ભુત સમન્વય હતા. તેમના મત મુજબ જ્ઞાતિ નિર્મૂલનનો રામબાણ ઈલાજ આંતરજ્ઞાતીય લગ્નો છે. જીવનભર પીડિતો ઉપેક્ષિતો અપમાનિત એવા દલિતોના કલ્યાણ અર્થે સંઘર્ષ કરનાર આ મહામાનવ ૬ ડીસેમ્બેર ૧૯૫૬ માં નિર્વાણ પામ્યા. ભારતીય બંધારણના ઘડવૈયા દલિતો, શ્રમિકો,ખેડૂતો મહિલાઓના તારણહારા ડો. આંબેડકર આજે ભલે શરીર રૂપે આપણી વચ્ચે નથી પરંતુ એક સશક્ત ચિંતક અને કર્મશીલ મહામાનવ તરીકે તેઓ હંમેશા આપણી વચ્ચે અમર રહેશે. ડો.આંબેડકર એક વ્યક્તિ માત્ર નથી, એક વિચાર છે, એક આંદોલન છે. દલિત પીડિત સમાજના પ્રેરણા સૂર્ય છે. ડો. આંબેડકર સત્ય અને સ્પષ્ટવકતા છે તેવા જ નિખાલસ પણ છે. પ્રસ્તુત અભ્યાસ દ્વારા ડૉ આંબેડકરના સામાજિક આર્થિક શેક્ષણિક ધાર્મિક રાજકીય પાસા વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો હેતુ રહેલો છે. ડો. આંબેડકરના જીવન કર્મના વિચારને જન જન સુધી પહોંચાડવાની મારી નૈતિક ફરજ સમજીને પ્રસ્તુત લેખ લખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.

લેખન ડો.પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button