
સ્વામી વિવેકાનંદે જેની ડિઝાઇન તૈયાર કરી હતી તેવા કલકત્તાના બેલુર મઠની આબેહૂબ પ્રતિકૃતિ રાજકોટ આશ્રમનું મંદિર છે
છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી રાજકોટની જનતા માટે રાજકોટની મધ્યમાં આવેલા રામકૃષ્ણ આશ્રમનું નામ જાણીતું છે. રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. જોકે અત્યારે જ્યાં સૌથી વધારે લોકો મુલાકાત લે છે એ રામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરનું ઉદ્ઘાટન ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૭૯ના રોજ રામકૃષ્ણ મિશનના દસમા પ્રમુખ , સ્વામી વિરેશ્વરાનંદ દ્વારા થયું હતું. સાથોસાથ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટને પચાસ વર્ષ પૂર્ણ થતાં હોવાથી સુવર્ણ જયંતિ છઠ્ઠી એપ્રિલથી ૧૨મી એપ્રિલ દરમિયાન ઉજવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બની રહેલા મંદિરનો અંદાજીત નિર્માણ ખર્ચ એ સમયે ત્રણ લાખ રૂપિયા હતો. પરંતુ જ્યારે સ્વામી આત્મસ્થાનંદજીએ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી ૧૯૬૬માં સંચાલન સંભાળ્યું, ત્યારે તેમણે મંદિરના પ્લાનમાં ફેરફાર સૂચવ્યો અને નિર્માણ ખર્ચ ત્રણ લાખમાંથી ૧૨ લાખ સુધી પહોંચવાનો અંદાજ માંડવામાં આવ્યો હતો. જોકે નિર્માણ દરમિયાન જ ખર્ચ બેવડાઈને ૨૫ લાખ પર પહોંચી ગયો હતો. ઉપરાંત ૨૦ લાખ રૂપિયા નિર્માણ સાધન સામગ્રી પેટે મેળવવામાં આવ્યા હતા. આથી જ્યારે મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું ત્યારે કુલ ૪૫ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. આ માટે અનુદાન સ્વરૂપે એક રૂપિયા અને તેના ગુણાંકમાં વધુ રકમની ડોનેશન કુપન બહાર પાડવામાં આવી હતી. લોકો દ્વારા મળેલા અમૂલ્ય દાન વડે મંદિરનું નિર્માણ થયું હતું. આ ભગીરથ કાર્યમાં હજારો લોકો જોડાયા હતા. અનેક આર્કિટેક્ટ, , કલાકારો અને એન્જિનિયરોએ માનદ સેવા આપી હતી. અનુદાન માટે ઘેર ઘેર ફરીને ફાળો એકઠો કરાયો હતો.
નોંધનીય બાબત એ છે કે ખુદ સ્વામી વિવેકાનંદે જેની ડિઝાઇન તૈયાર કરી હતી તેવા કલકત્તાના બેલુર મઠની આબેહૂબ પ્રતિકૃતિ રાજકોટ મંદિર સ્વરૂપે તૈયાર કરવામાં આવી. જ્યારે સ્વામી વિરેશ્વરાનંદજી દ્વારા રાજકોટ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે દેશ-વિદેશમાંથી ૨૬૦ સંન્યાસીઓ અને હજારો અનુયાયીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય ઉદઘાટન કાર્યક્રમમાં શહેરભરમાં ધર્મ યાત્રા, જાહેર વક્તવ્યો, ધાર્મિકલાલ પંડ્યા(માણભટ્ટ),મનહરલાલ મહારાજ, ઇન્દોરના પવાર બંધુઓ દ્વારા ધ્રુપદ ધમાર, સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર ડો. કુમાર ગંધર્વ સહિતના અનેક મહાનુભાવોના કાર્યક્રમો રજૂ થયા હતા. રામકૃષ્ણ આશ્રમ રાજકોટની સ્વર્ણ જયંતી પ્રસંગે બહાર પાડવામાં આવેલી સ્મરણિકા નું વિમોચન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.