સમરસ હોસ્ટેલના ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૦૦૦ બેડની સુવિધા

ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ૫૦૦ પૈકી ૨૩૪ બેડ તૈયાર – હાલ ૮૪ બેડ ખાલી


કોવીડ કેર સેન્ટર ખાતે ૫૦૦ બેડ પૈકી ૩૨૫ બેડ ઉપલબ્ધ

રાજકોટ તા. ૭ એપ્રિલ – હાલની કોરોનની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે ૫૦૦ બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર અને ૫૦૦ બેડનું કોવીડ કેર સેન્ટર ગત તા. ૨૪ માર્ચ થી શરુ કરી દેવામાં આવ્યું છે.

સમરસ સેન્ટરના અધ્યક્ષ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ બંને સેન્ટર હાલ પૂર્ણ કક્ષાએ કાર્યરત છે. હાલની પરિસ્થિતિ અંગે પ્રાંત અધિકરીશ્રીએ જણાવ્યું હતું કે, ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર (ડી.સી.એચ.સી.) ખાતે ઓક્સિજનની ૩ હજાર લીટરની ટેન્ક હાલ કાર્યરત છે. અહી ૫૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પૈકી ૨૩૪ બેડ તૈયાર છે અને બાકીના ૨૬૬ બેડ ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે. હાલ ૧૫૦ દર્દીઓ સારવાર હેઠળ છે. હાલની પરિસ્થિતિએ ૮૪ બેડ ખાલી છે, તેમજ બાકીના બેડ પૂર્ણ થયે ૩૫૦ બેડ ઉપલબ્ધ રહેશે.

જયારે કોવીડ કેર સેન્ટર (સી.સી.સી.) ખાતે ૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. અહીં કુલ ૧૭૫ જેટલા દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા હોવાનું શ્રી ગોહિલે જણાવ્યું છે. આ તમામ દર્દીઓને દિવસમાં ચાર વખત નાસ્તો તેમજ ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત દર્દી દાખલ થાય ત્યારે તેમને વેલકમ કીટ કે જેમાં બ્રસ, ટૂથ પેસ્ટ, તેલ, સાબુ સહિતની જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે.

હાલની પરિસ્થિતમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું શ્રી ચરણસિંહે જણાવ્યું હતું. સમરસ હોસ્ટેલ ખાતે સેન્ટર શરુ કરવા માટે તાબડતોબ ઓક્સિજનની ટેન્ક, તેમજ પાઈપલાઈન ફિટિંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોક્ટર, પેરા મેડિકલ અને આઉટ સોર્સ સ્ટાફની, ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

હાલ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ડો. મેહુલ પરમાર તેમજ ડો. પીપળીયા તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે ડો. જયદીપ ભૂંડિયાની અધ્યક્ષતામાં ૧૫૦ થી વધુનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button