મારું ગામ કોરોના મુકત ગ્રામ અભિયાનના યજ્ઞમાં આહુતિ અર્પણ કરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- બેડલાના આરોગ્ય કર્મીઓ

હોમ આઇસોલેશનમાં રહી ઘર આંગણે સધન સારવાર દ્વારા ૫૪ વર્ષના કોરોનામુકત બનેલ બેડલા ગામના અગ્રણી પ્રાગજીભાઇ બોદર
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૫ મેઃ- અમારા ગામડામાં કોરોના ફેલાય તો શું પરીણામ આવે તે વિચાર જ થરથરાવી જાય છે. કોરોના સામે સાવચેતી એ જ સલામતી છે. મારૂં સૌને કહેવાનું છે કે મહેરબાની કરીને રસી મુકાવો. રસીકરણની સંજીવની કોરોના મહામારીમાંથી બચાવ માટે અત્યંત જરૂરી છે. એટલું જ નહીં કાંઇપણ કોરોનાને લગતા લક્ષણો દેખાય કે તરત જ આરોગ્ય વિભાગના કર્મચારીઓનો નીઃસંકોચ સંપર્ક કરી તેઓની સલાહને અનુસરવું તેવી મારી અપીલ છે. આ શબ્દો છે તાજેતરમાં જ કોરોના સંક્રમણમાંથી મુકત બનેલ બેડલા ગામના ૫૪ વર્ષના અગ્રણી એવા પ્રાગજીભાઇ મીઠાભાઇ બોદરના…….
કહેવાય છે ને કે જાત અનુભવથી મોટું કોઇ જ્ઞાનનું સ્ત્રોત નથી. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હાલ કોરોના સંક્રમણના કેસો દરેક સ્તરે જોવા મળે છે. ત્યારે આવા જાત અનુભવી કોરોના દર્દીઓના તારણો અન્ય કોરોના મૂકત લોકો માટે અંધારામાં દિવાની જયોત સમાન છે. રાજય સરકાર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગ્રામ્ય કક્ષાના છેક છેવાડા વિસ્તાર સુધી આ મહામારીથી લોકોને બચાવ માટે ઝઝૂમી રહયા છે.
રાજકોટ બેડલા ગામના અગ્રણી એવા પ્રાગજીભાઇને ગત તા. ૨૭/૩/૨૧ના રોજ કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા તેઓએ પ્રા.આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટ કરાવ્યો. પોતે પોઝીટીવ હોવાનું ફલીત થતાં તેઓ તુરત જ હોમ કવોરન્ટાઇન થઇ ગયા. પ્રા.આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ટી.એન.ટોળીયા તથા તીબીબી સ્ટાફ દ્વારા તેઓની સતત ૧૪ દિવસ રૂબરૂ મુલાકાત લઇ તેઓને યોગ્ય દવાઓ, ઓકસીજન લેવલ અને અન્ય તપાસ કરવા ઉપરાંત આ સમયે શું ખાવું, કઇ કઇ બાબતોની સાવધાની રાખવી જેવી અનેક બાબતે ઝીણવટભર્યું માર્ગદર્શન અપાયું તેના ફળ સ્વરૂપે તેઓ કોરોના મુકત બન્યા.
પ્રાગજીભાઇ જાત અનુભવે જણાવે છે કે કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સીંગ, વારંવાર સાબુથી હાથ ધોવા સાથે માસ્ક લગાવવું અત્યંત જરૂરી છે. આ સામાન્ય લાગતી નાની નાની બાબતો તમને કોરોના જેવી મહામારીથી બચાવ માટે અત્યંત અસરકારક છે. તેઓ પોતે કોરોના સંક્રમીત થતાં જ રૂમમાં કુટુંબથી અગળા રહયા હતા. એટલું જ નહીં માત્ર જમવા પુરતા જ માસ્ક ઉતારતા હતા તે સીવાય તેઓ સતત માસ્ક પહેરી રાખતા જેથી કટુંબના અન્ય સભ્યોનો મહામારીથી બચાવ થાય. તેઓએ પોતાના ચાર સભ્યોના કુટુંબના તમામ સભ્યોને સતત માસ્ક પહેરી રાખવા સહિત વારંવાર હાથ સેનીટાઇઝ કરવા અને સોશીયલ ડિસ્ટીંન્સીંગનું પાલન કરાવવાની સતર્કતા દાખવી છે. જેને કારણે કટુંબના અન્ય સભ્યોનો કોરોનાથી બચાવ શકય બન્યો છે. તેઓ પોતે કોરોનાની રસી મુકાવી રહયા છે એટલું જ નહીં કુટુંબના સભ્યોને પણ કોરોનાની રસી મુકાવી રહયા છે. આ તકે તેઓએ પોતાને નવજીવન આપવા બદલ બેડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને સમગ્ર આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button