કોણ કહે છે, વેન્ટીલેટર પરના દર્દીઓ સાજા નથી જ થતા?

ઓક્સિજનના ૭૦ લેવલ અને ૩-૩ દિવસ બાય પેપ તથા વેન્ટીલેટર પર રહેવા છતાં કોરોનાને હાવિ ન થવા દેતા ઉપલેટાના કિરીટભાઇ મકવાણા


કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરના વધુ એક યોધ્ધાનું સ્વગૃહગમન


રાજકોટ તા. ૫ મી મે : કોણ કહે છે કે વેન્ટીલેટર પરના દર્દીઓ સાજા જ નથી થતા ? રાજકોટના કોવિડ કેર સેન્ટર ખાતેથી વધુ એક યોધ્ધાએ કોરોનાને હરાવીને સ્વગૃહગમન કર્યું છે, અને કોરોનાના દર્દીઓ માટે નમૂનેદાર દ્રષ્ટાંત પૂરૂં પાડયું છે.
ઉપલેટાના ૫૦ વર્ષના કિરીટભાઇ મકવાણાને ચાર દિવસથી કોરોનાનું નિદાન થયું હતું, અને કોરોનાની દવા ચાલુ હોવા છતાં ૧૫ એપ્રિલે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને ૭૦ થઇ ગયું. આથી તેઓ ઓક્સિજન સીલીન્ડર લઇને વધુ સારવાર અર્થે રાજકોટ આવવા નીકળી પડયા. બે કલાક રાહ જોયા બાદ તેમનો સિવિલ હોસ્પિટલમાં વારો આવી ગયો અને તેમને નોન રી-બ્રીધીંગ માસ્ક મારફતે ઓક્સિજન આપવાનું શરુ કરાયું. ૩ દિવસમાં સારૂં થઇ જતાં તેમને કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે ટ્રાન્સફર કરાયા.
કિરીટભાઇને બીજે જ દિવસે અહીં પણ ઓક્સિજન લેવલ ઘટી જતાં ફરી એક વાર નોન રી-બ્રીધીંગ માસ્કની સારવાર આપવામાં આવી, જે કારગત ન નીવડી. આથી તેમને તાત્કાલિક વેન્ટીલેટર પર લેવામાં આવ્યા. ૩ દિવસ વેન્ટીલેટરની સારવાર લીધા બાદ વધુ ત્રણ દિવસ નોન રી-બ્રીધીંગ માસ્ક પર રહીને કિરીટભાઇએ અંતે કોરોનાને હરાવીને તા. ૪ થી મે ના રોજ સ્વ ગૃહે પરિવારજનો પાસે પહોંચી ગયા છે.
કિરીટભાઇના ફેમિલી ડોકટર દિપ ચૌહાણે જણાવ્યું હતું કે, લોકોમાં ઘર કરી ગયેલી માન્યતા કિરીટભાઇએ સરકારી સારવાર લઇને ખોટી પાડી છે કે વેન્ટીલેટર પરના દર્દીઓ ઘરે પાછા જ નથી ફરતા. કિરીટભાઇનું ઉત્સાહી વલણ પણ આ માટે જવાબદાર છે, એમ ડો. દિપે ઉમેર્યું હતું. કિરીટભાઇએ પોતે કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ સારવાર પ્રત્યે પૂરતો સંતોષ વ્યક્ત કર્યો હતો. અને અહીંના ડોકટર્સ, એટેન્ડન્ટસ, સ્વિપર્સ વગેરેની સેવાને ખૂબ બિરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button