‘‘મધર્સ ડે’’ નિમિત્તે એક માતા રશ્મિબેને પોતાની માતા પ્રસન્નબા સાથે વાત કરીને સધિયારો આપ્યો-‘‘કોરોના મારી માતાનું કશું બગાડી નહિં શકે’’

સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક ખાતે જોવા મળ્યા લાગણીસભર દ્રશ્યો
૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૯ મે – રાજકોટની ચૌધરી હાઇસ્કુલ ખાતે આજે ‘‘મધર્સ ડે’’ નિમિત્તે અનેક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં એક માતા રશ્મિબેને પોતાની માતા પ્રસન્નબા સાથે વાત કરીને સધિયારો આપ્યો હતો કે-‘‘ મમ્મી, તું જરાય ગભરાતી નહિં., કોરોના મારી માતાનું કશું બગાડી નહિં શકે’’

    ગત ૭ એપ્રિલે ૪૮ ઓક્સિજન લેવલ સાથે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે દાખલ થયેલા ૬૪ વર્ષના સન્નારી શ્રીમતિ જાડેજા પ્રસન્નબા વિક્રમસિંહને આજે એક મહિનાના અથાક પ્રયાસો પછી ઓક્સિજનના ૯૭ લેવલને પાર કરવા સમર્થ બન્યા હતા. આ સંદર્ભે તેમના ભાવનગર રહેતા પરિણીત પુત્રી શ્રીમતિ રશ્મિબા ગોહિલ આજે ‘‘મધર્સ ડે’’ નિમિત્તે ખાસ તેમની સાથે વાત કરવા રાજકોટ આવ્યા હતા. તેમને ચૌધરી હાઇસ્કુલ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક વિભાગમાંથી તેમના માતુશ્રી સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવવામાં આવી હતી. પ્રસન્નબાના પતિ વિક્રમસિંહને પણ કોરોના થયો હતો, પરંતુ તેઓ ટૂંકી સારવાર લઇને ઘરે આવી ગયા, જયારે પ્રસન્નબાની કોરોના સામેની લડાઇ વધુ લાંબી ચાલી, હવે જયારે તેમની જીત હાથવેંતમાં છે, ત્યારે તેમની ત્રણેય પુત્રીઓ વારાફરતી તેમની ખબર કાઢવા આવે છે, અને હેલ્પડેસ્કની સુવિધાનો લાભ લઇ હરખાતા હૈયે તેમના સાસરે પરત ફરે છે.
    રશ્મિબેને ખૂબ આનંદથી જણાવ્યું હતું કે, અમે લોકો મારા મમ્મી સાથે વાત કરવા ખૂબ ઉત્સુક હતા, પરંતુ એ ફોન વાપરતા ન હોવાથી તેમની સાથે કેમ વાત કરવી એ અમારી માટે ખૂબ અઘરો પ્રશ્ન હતો, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૌધરી હાઇસ્કુલ ખાતે ચલાવાઇ રહેલું હેલ્પ ડેસ્ક અમને ખૂબ મદદરૂપ થયું છે, જેનાથી અમે મારી મમ્મી સાથે વાત કરી શકીએ છીએ. સિવિલ હોસ્પિટલને લીધે જ મારી મમ્મી બચી શકી છે, રાજયસરકાર અમારા જેવા માટે ખૂબ સારૂં કામ કરી રહી છે, જે બદલ અમે તેમના ઋણી છીએ, એમ રશ્મિબેને સહર્ષ ઉમેર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button